કોમર્સ કોલેજ ગોધરા ની દીકરીએ લહેરાવ્યો તિરંગો… કોમર્સ કોલેજ ગોધરા ખાતે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની કોલેજની વિદ્યાર્થીની કુ. નિકિતા સુખવાણી કે જેણે યુનિવર્સિટીમાં એમકોમ માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેણે તિરંગો લહેરાવી કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ વિદ્યાર્થીએ તિરંગો લહેરાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ ઉજવણીની તમામ જવાબદારી માત્રને માત્ર બહેનોને જ આપી હતી તે અંતર્ગત તમામ કાર્યક્રમો માત્રને માત્ર બહેનો દ્વારા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તિરંગો લહેરાવી પોતાની સ્પીચ આપતા કુ. નિકિતા સુખવાણીએ જે વક્તવ્ય આપ્યું તેનાથી ઉપસ્થિત વિદ્યાર્થીઓ સહિત તમામ અધ્યાપકશ્રી ઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેની બોલવાની છટા ,તેનું સ્પષ્ટ ઉચ્ચારણ અને દેશ માટેના તેના શબ્દો આધુનિક પરિપેક્ષ્યમાં જઈને તેણે વર્ણવેલું તેનું પ્રવચન સાંભળી ઠેર ઠેરથી કુ. નિકિતાને અભિનંદન મળી રહ્યા છે. ત્યારબાદ કોલેજના સદાબા હોલ ખાતે દેશભક્તિના ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દીકરીઓએ વિવિધ ડાન્સમાં દેશભક્તિના રંગે ઉપસ્થિત સૌ કોઈ દેશપ્રેમી વિદ્યાર્થીઓને રંગી કાઢ્યા હતા. રવિવાર હોવા છતાં ગોધરાની ઉપરાંત ગામડાની બહેનો અને ભાઈઓ જે રીતે રવિવારના દિવસે ઉપસ્થિત રહ્યા તે નિશ્ચિત ભારતની એક શ્રેષ્ઠ છબી દર્શાવે છે, આ પ્રસંગે ખાસ એકતા ટ્રેડર્સના માલિક શ્રી વિજયકુમાર હરચંદાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી હીનાબેન હરચંદાણી એ વિશેષ રૂપે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ભેટ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ઉન્નતીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ ટ્રોફી અને રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી. તમામને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.







